રાજ્યના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા એક પણ આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા નથી ત્યારે વધુ બે આરોપી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરે જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા પહેલી વખત આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડની જામીન અરજી પર હવે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે 2024ની સાંજે આગ લાગતા 27 લોકોના મોત નિપજ્યા હતા અને 3 લોકોને ઇજા પહોંચી હતી. જે ઘટનામાં પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગર પાલિકાના અધિકારીઓ અને ટીઆરપી ગેમઝોનના સંચાલકો સહીત કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સંચાલક ધવલ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન જૈન, RMCના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ ચૌધરી, રાજેશભાઇ મકવાણા, CFO ઇલેશ ખેર, ડેપ્યુટી CFO ભીખા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જ્યારે બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.