દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા અને સિસાંડા મગાલા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને એન્ડીલે ફેહલુકવાયો અને લિઝાડ વિલિયમ્સને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થવાનો છે. દક્ષિણ આફ્રિકા 7 ઓક્ટોબરે દિલ્હીમાં શ્રીલંકા સામે વર્લ્ડ કપમાં પહેલી મેચ રમશે.
નોર્કિયા પીઠમાં સમસ્યા
નોર્કિયાને પીઠની સમસ્યા છે. તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થવાની સંભાવના છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ODI હોમ સિરીઝમાં તેને ફક્ત એક જ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ODI શ્રેણીની બીજી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
નોર્કિયા આ મેચમાં જ પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો નહોતો. તે માત્ર 5 ઓવર જ ફેંકી શક્યો હતો. ત્રીજી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. બાદમાં તે શ્રેણીમાંથી જ બહાર થઈ ગયો હતો.