આગામી તા.26મીના મહાશિવરાત્રીનું મહાપર્વ છે ત્યારે રાજકોટમાં મહાશિવરાત્રીના પાવન પર્વને ઉજવવા દશનામ ગોસ્વામી સમાજ શિવરથ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે ભવ્ય શિવરથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સતત 13મા વર્ષે શિવ રથયાત્રા નીકળવાની છે. જેમાં મુખ્ય રથમાં 12માં જ્યોર્તિલિંગ દાદા ધુણેશ્વર બિરાજમાન થશે તો રાજસ્થાની નૃત્ય, અઘોરી વેશમાં શિવ વેશભૂષામાં સજ્જ કાર્યકરોથી અદભૂત ધાર્મિક વાતાવરણનું સર્જન થશે. શિવ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવા બાઈક સવારો પણ જોડાવવાના છે. આ ઉપરાંત શિવરાત્રિના શાહી સ્નાન થતું હોય છે, તેને દર્શાવતો કુંભનો રથ ઉપરાંત સનાતનનો પણ રથ હશે.
આયોજક હિરેન ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સતત 13માં વર્ષે સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રાનું 26મીએ બપોરે 2 વાગ્યે કોઠારીયા રોડ પર સૂતા હનુમાનજી મંદિરથી પ્રસ્થાન થશે. જે શહેરનાં અલગ વિસ્તારના શિવ મંદિરોએ થઇને ચૌધરી હાઈસ્કૂલ મેદાનમા પહોંચશે અને ત્યાં શિવ યાત્રાની પૂર્ણાહુતિ થશે. જ્યાં આરતીમાં 3000થી વધુ ભક્તો જોડાશે. મહાશિવરાત્રીની મહા રથયાત્રાની રાજકોટ તથા આજુબાજુના તમામ વિસ્તારના ધર્મજનો પ્રતીક્ષા કરતા હોય છે ત્યારે આ વર્ષે યાત્રાના મુખ્ય રથમાં બારમાં જયોતિર્લિંગ એવા દાદા ધુણેશ્વર બિરાજમાન થશે.