બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી ઓપિનિયન પોલમાં મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી કરતાં 20 ટકા પાછળ છે. એવો દાવો કરાયો છે કે પ્રવાસીઓના મુદ્દે ઘેરાયેલા સુનક પાસે હવે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવા માટે જાન્યુઆરી 2025 સુધીનો સમય છે. પરંતુ ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે ગેરકાયદે પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતાં સુનક ચૂંટણી હારી શકે છે. હવે સુનક અને તેમનો પક્ષ મૂંઝવણમાં છે કે ચૂંટણી ક્યારે જાહેર કરવી.
બ્રિટનની સુપ્રીમકોર્ટે ગયા અઠવાડિયે આશ્રય ઇચ્છતા લોકોને રવાન્ડામાં દેશનિકાલ કરવાની નીતિને ગેરકાયદેસર ગણાવીને ફગાવી દીધી હતી. જોકે સુનકે પૂર્વ આફ્રિકન દેશ સાથે નવો સોદો કરીને બાબતોને જીવંત રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. સુનકના ઘણા સાથીદારોએ વહેલી ચૂંટણી યોજવાની સલાહ આપી છે.
ઇમિગ્રેશન નીતિ પર એક મહત્ત્વપૂર્ણ કાનૂની નિર્ણય હાર્યા પછી સુનક પર તેમના પક્ષ તરફથી દબાણ હતું કે જો હાઉસ ઓફ લોર્ડ્સ રવાન્ડામાં આશ્રય શોધનારાઓને દેશનિકાલ કરવાના કાયદામાં સુધારો કરવાના સરકારના પ્રયાસોને અવરોધે તો વસંતઋતુમાં ચૂંટણી થવી જોઈએ. પાર્ટીનું માનવું છે કે ઈમિગ્રેશન મુદ્દે ચૂંટણીને જનમતમાં ફેરવવાથી લોકોનું ધ્યાન બ્રિટનની આર્થિક સમસ્યાઓથી હટાવવામાં આવી શકે છે.
બ્રિટનમાં પ્રવાસી સૌથી મોટો મુદ્દો-સ્થિતિ સુધરવાની આશા નથી. કેન્ટ યુનિવર્સિટીના પોલિટ્કિસના પ્રોફેસર મેથ્યુ ગુડવિનનું રહેવું છે કે બ્રિટનમાં પ્રવાસી સંકટ સૌથી મોટો પડકાર છે. 2019ની ચૂંટણીમાં આ જ મુદ્દે જનતાએ કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે બહુમત અપાવી હતી. એટલું જ નહીં લેબર પાર્ટીના અનેક સમર્થકોએ પણ આ જ મુદ્દા પર વોટ આપ્યો હતો. ગઈ ચૂંટણીમાં પ્રવાસીઓ મુદ્દે વોટ આપનાર લોકોમાં પણ આગામી ચૂંટણીમાં પ્રવાસી મુદ્દો મોંઘવારી અને સ્વાસ્થ્ય સેવા કરતાં વધુ ગૂંજી રહ્યો છે.