રાજકોટના ભાવનગર રોડ પર પાડાસણ ગામે વાડીમાં રહેતા 12 વર્ષના કિશોરે ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપાધાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જોયો છે. ઘેર તોફાન કરી તેના નાના ભાઇ બહેનને હેરાન કરી રડાવતો હોય જેથી તેની માતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાડાસણ ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતાં અને પરિવાર સાથે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પુનાભાઇ ડામોરના 12 વર્ષના પુત્ર કાનાએ વાડીની ઓરડીમાં લોખંડની એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે બાજુની વાડીમાં ભાઇના ઘેર બેસવા ગયેલા પુનાભાઇ અને તેની પત્ની સહિતે ઓરડીનો દરવાજો ખોલતા પુત્રને લટકતો જોઇ દેકારો કરતાં પાડોશના લોકો એકઠા થઇ જઇ મૃતદેહને ઉતારી જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના જમાદાર જયેશભાઇ કુરિયા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં મૃતક કિશોર ત્રણ બહેન અને ત્રણ ભાઇમાં મોટો હોવાનું અને માતા-પિતા કામ કરતા હોય તે દરમિયાન કાનો તેના નાના ભાઇ બહેનને રડાવી તોફાન કરતો હોય જેની જાણ થતાં તેની માતાએ ઠપકો આપતા માઠું લાગી જતા ઘેરથી નીકળી ગયો હતો બાદમાં એક કલાક બાદ બાજુની વાડીએ તેની માતા પાસે આવી જમવા જવાનું કહી ઓરડીની ચાવી લઇ જઇ આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.