રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ મુજબ છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે બાંધકામ હટાવવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેર તેમજ જિલ્લાના જુદા જુદા સ્થળોએ આવેલી કિંમતી સરકારી જમીનો પરથી જે-તે વિસ્તારનાં મામલતદારો દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મવડીમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા 45 ગેરકાયદેસર મકાનોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. અને કુલ 17 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સર્વે નં.194 પૈકીની 2500 ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 45 રહેણાંક મકાનોનાં દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ સરકારી જમીન ઉપર લાંબા સમયથી જુદા જુદા લોકોએ 45 જેટલા, કાચા-પાકા મકાનો ગેરકાયદેસર ખડકી દીધા હતા. દરમિયાન તંત્રએ તાજેતરમાં આ દબાણકર્તાઓને નોટિસો પણ ફટકારી હતી. છતા નિયત મુદતમાં દબાણો નહીં હટાવાતા આજે દક્ષિણ મામલતદાર અને તેની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.