શુક્રવારે રૂ. 2 હજારની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ નોટબંધીના દશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. પેટ્રોલપંપ, સોની બજારમાં, ઠંડાપીણા, આઈસ્ક્રીમની દુકાને રૂ. 2 હજારની નોટ જ લોકોએ વટાવી હતી. જો કે કયાંક તેનો સ્વીકાર થયો હતો. તો કોઈએ સ્વીકારવાની ના પાડી હતી. રૂ. 2 હજારની નોટ બંધ થવાની જાહેરાત થતાની સાથે જ સૌથી વધુ ઈન્કવાયરી સોની બજારમાં થઇ હતી. અનેક લોકોએ ફોન કરીને પૂછ્યું હતું કે, મારી પાસે રૂ. 2 હજારની નોટ છે. સોનું ખરીદવું છે તમે લેશો? તો બીજી બાજુ સોનાના ભાવમાં પણ વધારો આવ્યો હતો.
નોટબંધીના દશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો
રાજકોટમાં રાત્રે સોનાનો ભાવ રૂ. 62,750એ પહોંચ્યો હતો. પેટ્રોલપંપમાં સામાન્ય રીતે ત્રણ દિવસમાં રૂ. 2 હજારની જેટલી નોટ ભેગી થાય છે તેટલી નોટ શુક્રવારે રાત્રે 3.00 કલાકમાં જ ભેગી આવી હોવાનું ફિલરમેન અકરમભાઈ જણાવે છે. સિવાય પેટ્રોલ પંપમાં પણ જે કોઈ પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા તેમાં રૂ. 2 હજારની નોટ લઇને આવનારની સંખ્યા વધારે હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. વધુમાં તેના જણાવ્યાનુસાર કેટલાકે તો રૂ. 50 નું પેટ્રોલ પુરાવ્યું હતુ અને પેમેન્ટમા રૂ. 2 હજારની નોટ આપી હતી.