શહેરમાં નકલી કોર્ટ બાદ નકલીની બોલબાલા વધી હોય તેમ ચુનારાવાડમાં ક્રાઇમબ્રાંચના નામે તોડ કરવા નીકળેલા નકલી પોલીસમેન સામે થોરાળા પોલીસે ગુનો નોંધી તેની ઘરપકડ કરી હતી. રાત્રીના એક્ટિવા પર ધસી જઇ તમે કેમ બહાર બેઠા છો, તમે દારૂનો ધંધો કરો છો કહી, મકાનની તલાસી લેતો હતો જેથી મકાનમાલિકે આઇકાર્ડ માંગતા ગલ્લાતલ્લા કરતા એકઠા થયેલા લોકાને શંકા જતા નાસી છૂટ્યો હતો જેથી લોકો પાછળ જતા કેસરી હિન્દ પુલ પાસે એક્ટિવા સ્લીપ થતા લોકોએ પકડી લઇ પોલીસ હવાલે કરતા થોરાળા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચુનારાવાડ પાસે આજી નદીના કાંઠે બાપાસીતારામનગરમાં રહેતા વિજયભાઇ વિનુુભાઇ ગોહેલએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીના એકાદ વાગ્યે તેના મામાના દીકરા પરાગ ચુનારાવાડમાં બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન એક્ટિવા ચાલક ત્યા ધસી આવ્યાે હતો અને ઉભો રહીને કહેવા લાગેલ કે મોડી રાત સુધી કેમ જાગો છો ઘરે જઇને સુઇ જાવ જેથી મારા મામાનો દીકરો પરાગ આ શખ્સને કહેલ કે તમે કોણ છો, અને ક્યાથી આવો છો જેથી આ શખ્સે તેની ઓળખ ક્રાઇમબ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી આવું છું અને હું ત્યા પોલીસ તરીકે ફરજ બજાવું છું અને કહેવા લાગેલ કે તમે દારૂનો ધંધો કરો છો, જેથી અમોએ દારૂનો ધંધો કરતા નથી જેથી તે શખ્સ ઉશ્કેરાઇ જઇને મને કહેવા લાગેલ કે ચાલ મને તું તારું મકાન બતાવ મારે તારા ઘરની તલાસી લેવી છે. જેથી તેને પોલીસ હોવાનું સમજી મારા ઘેર લઇ ગયો હતો અને તેને મારા ઘરની તલાસી લીધી હતી અને અહી કોણ-કોણ દારૂ વેચે છે. જેથી મે તેને અમારી આજુબાજુવાળા કોઇ દારૂ વેચતા નથી તેમ જણાવ્યું હતું. બાદમાં તેને કહેલ કે તમે ડીસીબી પોલીસ મથકમાં ફરજ બજાવો છો તો તમારું આઇકાર્ડ તો બતાવો જેથી આ શખ્સ ગલ્લાતલ્લા કરવા માંડયો હતો અને તેનું એક્ટિવા લઇને ભાગી ગયો હતો.