અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે આંજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે બીએસઈ સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત 300 પોઈન્ટથી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે 2 એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે રશિયાથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.04% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.07% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4195 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1344 અને વધનારની સંખ્યા 2708 રહી હતી, 143 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.