વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.
લોકોએ એકત્ર થઈને ‘હમારી માંગે પૂરી કરો પૂરી કરો, અમને પાણી પૂરું પાડું, નેતા ખુરશી ખાલી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓમાં પિવાના પાણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા આ સોસાયટીના લોકોની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કોઈ પણ મતદાન કરશે નહીં તેવો નિર્ણય લોકોએ કર્યો છે. તેમજ આગળ પણ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.