પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે હિંદ મહાસાગરમાં આવેલા દેશ મોરેશિયસની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. અહીં તેઓ 12 માર્ચે મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
આ મુલાકાતમાં, પીએમ મોદી બંને દેશો વચ્ચે આર્થિક અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરશે. 2015 પછી ભારતીય પ્રધાનમંત્રીની મોરેશિયસની આ બીજી મુલાકાત છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય સેનાની એક ટુકડી, નૌકાદળનું યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ મોરેશિયસ રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે.