ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવર ક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઇ ગયા હતા. જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીમાં જવું પડ્યુ હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું.
દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો ન હતો. જેમાં ધક્કામૂક્કીને પગલે વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઇ ગયા હતા. કેટલાંકને ઇજા પહોંચતાં વિદ્યાર્થીનેતાએ ગેટ પર ચઢી જઇને ગેટ ખોલાવ્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલીવુડના યુવાનોમાં લોકપ્રીય ગાયક દર્શન રાલવના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતા સ્થિતી કાબુ બહાર પહોંચી હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી ટેકનોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહિ આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને નેતા ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો.