રાજકોટ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં સતત બીજે દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. રવિવારે રાજકોટનું તાપમાન 41.1 ડિગ્રી રહ્યું હતું જ્યારે સોમવારે પણ રાજકોટનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી રહેતા સૌરાષ્ટ્રનું સૌથી હોટસિટી બન્યું હતું. હજુ 12મી માર્ચ સુધી એટલે કે બે દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ આ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત છે, પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે.
હાલ રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાનું છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળામાં આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે.