ગુજરાત માટે હોળી-ધુળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં ત્રણ લોકોના અને આપઘાત- ડૂબી જવાની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. એક તરફ ગુજરાતીઓ રંગોના પર્વને ધામધુમથી ઉજવી રહ્યાં હતાં, ત્યારે ઘણાં પરિવાર માટે રંગોનો પર્વ બેરંગ બની માતમમાં ફેરવાઈ ગયો હતો.
ચાલુ વર્ષે ધુળેટીના પર્વ પર 108 ઈમરજન્સી સેવાને સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાંથી 3485 કેસ મળ્યાં હતાં. 108માં સૌથી વધુ કેસ અકસ્માત, મારામારી અને પડી જવા જેવા નોંધાયા હતાં. પેટના દુઃખાવા, શ્વાસ અને એલર્જી અંગેની ફરિયાદો મળી હતી.
અમદાવાદમાં સૌથી વધારે 95 જેટલા રોડ અકસ્માતના કેસો નોંધાયા હતાં. સુરતમાં પણ 93 જેટલા કેસ નોંધાયા હતાં. જ્યારે રાજકોટ અને વડોદરામાં પણ અકસ્માતના કેસોમાં વધારો થયો હતો. દાહોદ, બનાસકાંઠા, ખેડા અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે કેસ આવ્યા હતાં. 3485 જેટલા ઇમરજન્સી કેસોમાંથી રોડ અકસ્માતના 715, મારામારીના 315 અને પડી જવાના 209 કેસો નોંધાયા હતાં.
રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા 3ના મોત ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં અજયભાઇ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયૂરભાઈ લેવા નામના બે પિતરાઈ ભાઈના મોત થયા છે. સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું.