શહેરની ભાગોળે ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ચાના થડે ચા પી રહેલા પ્રૌઢ અચાનક જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટએટેકથી પ્રૌઢનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ રોડ પરના રસૂલપરામાં રહેતા રામચંદ્ર રાધેલાલ પાલ (ઉ.વ.50) સોમવારે સવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને ઢોલરા ચોકડી નજીક ચાના થડે ચા પીવા ઊભા હતા. રામચંદ્ર ચાની ચુસ્કી લગાવી રહ્યા હતા અને અચાનક જ ઢળી પડ્યા હતા અને બેભાન થઇ ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના વતની રામચંદ્ર ટોસ્ટ ખારીની ફેરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે. પરિવારના મોભીનાં અચાનક મૃત્યુથી પાલ પરિવારમાં ગમગીની છવાઇગઇ હતી.