છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ કથળી છે, જેથી ઉદ્યોગકારો-રત્નકલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. સંતાનોની ફી ભરવા, અન્ય ધંધો કરવા કે કારખાનાનું એક્સપાન્સન કરવા બેંકમાં લોન અરજી કરી રહ્યા છે, પરંતુ પ્રોફાઈલમાં ડાયમંડ વ્યવસાય કે રત્નકલાકાર વાંચીને બેંકો અરજી રિજેક્ટ કરી રહી છે.
એક રત્નકલાકારે ક્રેડિટ કાર્ડ માટે 10 અરજી કરી જે રિજેક્ટ કરી દેવાઈ હતી, જ્યારે અન્ય એક રત્નકલાકાર 5 ઘંટીનું નાનું કારખાનું ચલાવે છે, જેના એક્સપાન્સન માટે બેંકમાં 5 લાખની લોનની અરજી કરી તો બેંકે ઘસીને ના પાડી દીધી હતી. અન્ય એક રત્નકલાકારે સંતાનોની ફી ભરવા માટે 25 હજાર રૂપિયાની લોનની અરજી કરી તો પણ બેંકે લોન આપવાની ના પાડી દીધી હતી. રત્નકલાકારો પોતાની અવદશા જોઈને હવે અન્ય વેપાર તરફ વળી રહ્યા છે, રત્નકલાકારો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે તેમને લોન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
હું ગારિયાધારનો વતની છું. છેલ્લાં 30 વર્ષથી હીરા ઘસું છું. હાલ દીકરી કોલેજમાં અને દીકરો ધોરણ 12માં છે. ઘરમાં મારા સિવાય કોઈ કામ કરવાવાળું નથી. સંતાનોની ફી ભરવા માત્ર 25 હજારની લોન લેવી હતી, 1-2 એજન્ટો સાથે વાત કરી તો તેમણે જ ઘસીને ના પાડી દીધી હતી. ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ખરાબ હોવાને કારણે હાલ રત્નકલાકારોને લોન પણ મળી રહી નથી. પહેલાં કારખાનામાં ઉપાડ લઈને કામ ચાલી જતું હતું, પણ હાલ કામ ઓછું હોવાને કારણે ઉપાડ પણ ઓછો મળે છે, જેથી મારે લોનની જરૂરિયાત હતી. > બિપિન વાડદોરિયા, રત્નકલાકાર