અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરતા ચકચાર મચી છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે, આ સોનું અને રોકડ ક્યાંથી આવી અને કોણ લાવ્યું? ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેકશન મુંબઈ સુધી લંબાયું છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડીંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.
હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રીપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.