ગોધરા શહેરમાં એક જ્વેલર્સ શોપમાં નોકરી કરતી સેલ્સગર્લ યુવતીનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં તે નોકરી દરમિયાન છાનામાના લોકોની નજરથી બચી દાગીના ચોરી કરે છે. જે શોપમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, યુવતીએ અત્યાર સુધીમાં સવા કરોડના દાગીના ચોરીને બોયફ્રેન્ડેને આપ્યા હતા. જો કે, આખરે માલિકે ચોરી પકડી પાડતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરમાં આવેલા ધનરાજ જવેલર્સ નામથી સોનાચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં વેપારીને ત્યા નોકરી કરતી સેલ્સગર્લે મોટો ખેલ પાડ્યો છે. દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની છૂપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ઘટના બહાર આવી છે. સેલ્સગર્લ યુવતીએ એક કરોડથી વધુની રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાનું વેપારીની પૂછપરછમાં બહાર આવતાં આખરે સેલ્સગર્લ યુવતી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગોધરા શહેરના એલઆઈસી રોડ પર હિંમાશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે. તેમને 1 વર્ષ પહેલાં અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરીએ રાખી હતી. બધા નોકરી કરનારાઓ સવારે આવતા અને સાંજે જતા રહેતા હતા. હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે જ સોનાના દાગીનાની ગણતરી કરતા હતા. ત્યારે સોનાની 16 નંગ ચેઈન, સોનાની બંગડીઓ સહિત 49 દાગીના ઓછા પડ્યા હતા. આથી હિંમાશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પૂછતાં અનુષ્કા પારવાણીએ જણાવ્યું હતું કે, તે પોતે દાગીના ચોરી ગઈ હતી અને ધાનકાવાડ ખાતે રહેતા તેના બોયફ્રેન્ડ નીલેશ લીલારામ ઠાકવાણીને દાગીના આપી દીધા હતા.