ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અરજદારે આઈટીઆઈ અને આરટીઓ એમ બે જગ્યાએ ટેસ્ટ આપવી પડે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન બંને જગ્યાએ મોટી સંખ્યામાં વાહનચાલકો ફેલ થતા હોવાનું બહાર આવ્યું છે જેના લીધે પાકું લાઇસન્સ કઢાવવામાં લોકોનું ડ્રાઈવિંગ હજુ કાચું હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ માટે કમ્પ્યૂટર ટેસ્ટ આપવાની હોય છે જેમાંથી કુલ 12માંથી 10 પ્રશ્નના જવાબ સાચા પડે તો ઉમેદવાર પાસ થાય છે અને તેને લર્નિંગ લાઇસન્સ મળે છે, પરંતુ આઈટીઆઈમાં 40% વાહનચાલકો ફેલ થઇ રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.
આરટીઓમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલરની ટેસ્ટ ડ્રાઈવમાં પણ 45% જેટલા વાહનચાલકો ફેલ થતા હોવાનું સામે આવ્યું છે જેમાંથી સૌથી વધુ લોકો ફોર વ્હિલરની ટેસ્ટમાં ફેલ થાય છે જ્યારે ટુ વ્હિલરની ટેસ્ટમાં મહિલાઓ વધુ ફેલ થતી હોવાનું જાણવા મળ્યું છે.