જર્મનીની સૌથી મોટી દક્ષિણપંથી અને બીજી સૌથી મોટી પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)એ નવ નાઝી સમર્થકોની સાથે મળીને નોનજર્મન લોકોના દેશનિકાલ માટે કાવતરાં ઘડવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ કરેક્ટિવ સંગઠને ખુલાસો કર્યો છે કે એએફડી અને નવ નાઝી સમર્થકોની એક બેઠક પણ યોજાઇ હતી.
આ બેઠકનો હેતુ નોનજર્મન લોકોને બળજબરીપૂર્વક તેમના મૂળ દેશમાં મોકલવાની દિશામાં આગળ વધવાનો હતો. આ પ્રસ્તાવ જર્મનીમાં રહેતા તમામ લોકો પર લાગુ થશે. આ બેઠકમાં રિમાઇગ્રેશનના માસ્ટર પ્લાન પર વિચારણા કરવામાં આવી હતી. જેમાં જર્મનીના કેટલાક હાઇ રેન્ક પ્રોફેશનલો, કારોબારીઓ અને આઇડેન્ટિટેરિયન મૂવમેન્ટના ઓસ્ટ્રિયાઇ નવ નાઝી માર્ટિન સેલરે પણ ભાગ લીધો હતો.
જર્મન ચાન્સેલર શુલ્ઝે કહ્યું- આ લોકશાહી પર હુમલો
આ રિપોર્ટ સામે આવ્યા બાદ જર્મનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ શુલ્ઝે કહ્યું છે કે બિનપ્રવાસીઓ અથવા તો વિદેશી મૂળના નાગરિકોની હકાલપટ્ટી કરવા સાથે સંબંધિત યોજના જર્મનીની લોકશાહી પર હુમલા સમાન છે. જર્મનીના બંધારણામાં કહેવામાં આવ્યું છે કે કોઇ વ્યક્તિના મૂળ, વંશ અથવા તો ભાષા અથવા તો દેશના કારણે ભેદભાવ કરી શકાય નહીં. બીજી બાજુ ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ક્રિશ્ચિયન ડ્યૂરે કહ્યું છે કે પ્રવાસી લોકોની હકાલપટ્ટી કરવાની યોજના જર્મન ઇતિહાસના સૌથી કાળા પ્રકરણની યાદ અપાવે છે. તેઓ વર્ષ 1933થી 1945 વચ્ચેના નાઝી યુગનો ઉલ્લેખ કરી રહ્યા હતા.