નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ખાતરી સાથે વળતરના વાયદા સાથે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતા ઠગો સામે રોકાણકારોને સજાગ રહેવાની ચેતવણી આપી છે. શેર્સમાં ટ્રેડિંગ કરવા માટે ડબ્બા ટ્રેડિંગ એક ગેરકાયદેસર માધ્યમ છે, જ્યાં સંચાલકો સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મની બહાર લોકોને ઇક્વિટીમાં ટ્રેડિંગ કરવા માટેની મંજૂરી આપે છે.
પારસનાથ કોમોડિટી પ્રાઇવેટ લિમિટેડ, પારસનાથ બુલિયન પ્રાઇવેટ લિમિટેડ, ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ભરત કુમાર રોકાણકારોને ખાતરી સાથે રિટર્નનો વાયદો કરીને ડબ્બા ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોવાનું સામે આવ્યા બાદ NSEએ આ સાવચેતીભર્યું નિવેદન બહાર પાડ્યું છે.
એક્સચેન્જે જણાવ્યું હતું કે આ લોકોએ NSEના કોઇપણ રજીસ્ટ્રેશન ધરાવતા સભ્યને ત્યાં સભ્ય અથવા સત્તાવાર વ્યક્તિ તરીકે કોઇપણ પ્રકારની નોંધણી કરાવી નથી. તદુપરાંત. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રોકાણકારોને સતર્ક કરતાં NSEએ સ્ટોક માર્કેટમાં રિટર્નની ખાતરી આપતા હોય તેવી કોઇપણ કંપની કે વ્યક્તિની કોઇપણ સ્કીમ કે પ્રોડક્ટને સબસ્ક્રાઇબ ન કરવા કહ્યું છે. રોકાણકારોને આ પ્રકારના કોઇપણ ગેરકાયદેસર પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.