દેશનો પહેલો ટીવી ડીબેટ શો સોમાલિયામાં શરૂ થવા જઈ રહ્યો છે, જેને એક મહિલા હોસ્ટ કરશે. આ કાર્યક્રમ સોમાલિયાની એકમાત્ર મહિલા મીડિયા ટીમ બિલાન દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. શોની પેનલમાં ઓછામાં ઓછી 50% મહિલાઓ હશે. આ સોમાલી ટેલિવિઝનનો પ્રથમ ડીબેટ શો છે, જે મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણને લગતા ગંભીર વિષયો પર ચર્ચા કરાશે.
મહિલાઓનો રાજકારણમાં પ્રવેશ તેમજ પડકારોનો સામનો અંગેના વિષયો પણ સામેલ છે. આ શો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચે શરૂ થશે. તે બ્રિટનના બીબીસી જેવો હશે. આ શો માટે દેશભરનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવશે. લોકોને પણ દર્શક તરીકે ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. બિલાનના વરિષ્ઠ પત્રકાર અને ડીબેટ શોની પ્રથમ મહિલા હોસ્ટ નસીમા સૈદ સાલાહે જણાવ્યું હતું કે શો શરૂ કરવાની પ્રેરણા ડિસેમ્બરમાં એક સફળ પાઈલટ પ્રોગ્રામમાંથી મળી હતી. આ કાર્યક્રમમાં પેનલે શાળાઓમાં પિરિયડ્સ વિશેની મહત્ત્વની ચર્ચા કરી હતી.
નસીમાએ કહ્યું કે આ કાર્યક્રમમાં છોકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને તેમના શરીર વિશેના જ્ઞાનના અભાવની અસરો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અમે રાષ્ટ્રીય સ્તરે આ તમામ વિષયો પર ચર્ચા કરવા અને લોકોને જાગૃત કરવા માટે આ શો શરૂ કરવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે આવા વિષય પર ચર્ચા કરવી ખરાબ માનવામાં આવે છે પરંતુ અમારા કાર્યક્રમને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો.