વિધાનસભામાં પેપર લીક વિરોધી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. પેપરલીકના બનાવ રોકવા માટે સરકારે વિધાનસભામાં રજૂ કરેલા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) બિલમાં જાહેર એટલે કે બોર્ડ- યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ આ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવી હોવાથી ધોરણ-10,12 અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ પોલીસના હવાલે કરી દેવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ દહેશત વ્યક્ત કરી હતી અને માત્ર ભરતી પરીક્ષાઓને જ આ કાયદા હેઠળ સમાવાય તેવો સુધારો સૂચવ્યો હતો.
સરકારે આ સૂચન સ્વીકારીને કાયદામાં સુધારો કર્યો હતો અને તે પછી બિલ પસાર કર્યું હતું. સરકારે કરેલા સુધારા મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં આ કાયદા હેઠળની ગેરરીતિ કોઇ વિદ્યાર્થી આચરે તો તે મામલો નિર્ણય માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સંબંધિત યુનિવર્સિટી સમક્ષ મોકલવામાં આવશે.
ગેરરીતિ આચરનાર શાળા-કોલેજના વિદ્યાર્થીનો મામલો શિક્ષણ બોર્ડ કે યુનિવર્સિટી સમક્ષ મોકલાશે
ગુજરાતના બિલમાં ગંભીર ક્ષતિ રહી ગઈ હતી
ગુજરાતના બિલમાં ગંભીર ક્ષતિ છે. જાહેર પરીક્ષા એટલે શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10,12 સહિત અને યુનિવર્સિટીની પરીક્ષાઓ. આવી પરીક્ષામાં વિદ્યાર્થી ગેરરીતિ કરે તો 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને પોલીસના હવાલે કરી દેવા યોગ્ય નથી. - અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસ નેતા
નવા કાયદા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે
પેપર ફૂટવા અંગે યોગ્ય કાયદો નહીં હોવાથી ગુનેગારો પકડાયા પછી પણ છટકી જાય છે. નવો કાયદો જલ્દી અસ્તિત્વમાં આવશે ત્યારપછી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. હાલ, આપણે અહીં 156 નહીં પણ તમામ 182 ધારાસભ્યોએ સાથે મળીને મજબૂત કાયદો બનાવવાનો છે. - હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રી