શહેરમાં માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોક પાસેના ગાયત્રીપાર્કમાં રહેતી પરિણીતાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાયત્રીપાર્કમાં રહેતા હેમાલીબેન યશભાઇ મકવાણા (ઉ.24) એ પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારને જાણ થતા તેને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ મણવર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક હેમાલીબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા અને પતિ યશભાઇ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરતા હોવાનું અને પિતા 150 ફૂટ રિંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ દાનાભાઇ પરમાર હોવાનું અને એક ભાઇ એક બહેનમાં નાની હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની પૂછતાછમાં સવારે પતિ ઓફિસે જવા માટે નીકળ્યા બાદ સાસુ અને હેમાલીબેનના રૂમ પાસે જઇને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નહીં ખોલતા સસરા સુરેશભાઇએ આવી બીજી ચાવીથી રૂમનો દરવાજો ખોલતા પુત્રવધૂ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારે તેને ઉતારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ત્યાં મૃતદેહ જ પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. પુત્રવધૂને કોઇ તકલીફ નહી હોવાનું સાસરિયાપક્ષે તેમજ પિતાએ પણ પુત્રીના આપઘાતથી અજાણ હોવાનુ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.