સરકારે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડૉ. પૂનમ ગુપ્તાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. પૂનમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
તેઓ ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાનું સ્થાન લેશે, જેમણે જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું. કેબિનેટ નિમણૂક સમિતિએ પૂનમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક 5 એપ્રિલના રોજ RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક પહેલા કરવામાં આવી છે.
પૂનમ હાલમાં NCAER (નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ)ના ડિરેક્ટર છે અને 16મા નાણા પંચના સભ્ય પણ છે. આ પહેલા તે નીતિ આયોગની વિકાસ સલાહકાર સમિતિ અને FICCIની કાર્યકારી સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.
સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે નવા ગવર્નર બન્યા અગાઉ 9 ડિસેમ્બરે, સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ RBIના 26મા ગવર્નર બનશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. મલ્હોત્રાએ 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળ્યું હતું.