સુરત એરપોર્ટ પાસેની 2000 કરોડ મૂલ્યની ચર્ચાસ્પદ જમીનના કૌભાંડની તપાસ હજુ પૂરી થઈ નથી, ત્યાં સુરતનું જ બીજું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓ અને જમીન માફિયાઓની મિલિભગતથી આ વખતે ગૌચરની જમીન વેચાઈ ગઈ છે. જેમાં રૂ. 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને 24 કરોડનો દસ્તાવેજ થઈ ગયો અને કાચી નોંધ પણ પડી ગઈ છે. પૂણા તાલુકાના મગોબ ગામની સર્વે નંબર 3- બ, બ્લોક નંબર 156 પૈકી 1, ક્ષેત્રફળ 7891 ચો.મીટર (કોતર, ઢોર ચરણ માટેની) જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કરી નાખ્યો છે. મૂળ આ જમીન મગોબ ગામ સમસ્ત સંસ્થાના નામે હતી.
મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ પ્રતાપતિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકોનો એક નકલી ઠરાવ ઊભો કરીને આ કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે. રાજેન્દ્રસિંહ ગોહિલ, જમીન લેનારા કેતનસિંહ ફતેસિંહ ગોહિલ અને મહેશ વિરમભાઇ બારોટ સામે તાત્કાલિક સરકારે તપાસની માંગ ઊઠી છે.
ટી.પી સ્કીમ પડતા જ જમીનોના ભાવ ભડકે બળ્યાં અને રચાયો મસમોટો ખેલ સુરત પાસેની અંદાજે 100 કરોડ રૂપિયાની આ જમીનનો ખેલ પાડનારાઓને પહેલા જ ખબર પડી ગઈ હતી કે અહીં નવી ટીપી નંબર 64ને કારણે જમીનોના ભાવ આસમાને જવાના છે. જેથી ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોએ સાંઠગાંઠ કરીને આ ગૌચરની જમીન હડપી લીધી. બિલ્ડરો ટીપી જમીન કપાતમાં મુકીને કરોડો રૂપિયાનો ખેલ કરી રહ્યાં હોવાનો દાવો છે.