વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ શરૂ થવાનો છે. 15 સભ્યોની ટીમની કમાન તેમ્બા બાવુમાને સોંપવામાં આવી છે. બાવુમા સહિત 8 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. આ સાથે જ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને પણ આફ્રિકન ટીમમાં જગ્યા મળી છે.
ગેરાલ્ડ અત્યાર સુધી માત્ર બે જ ODI (વેસ્ટ ઈન્ડિઝ સામે) રમ્યો છે. તેણે બંને મેચમાં કુલ 5 વિકેટ લીધી છે. તેણે ડેબ્યૂ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
વિકેટકીપર ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેશે
વિકેટકીપર બેટર ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે. તેણે આ અંગેની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. તો, ડી કોક સિવાય, બેટર રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, એડેન માર્કરામ, ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડ્યુસેનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.