વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે 2 ટુ વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને હાજર લોકોએ નશામાં ધૂત કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાને પગલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
નશામાં ધૂત કાર ચાલકે 2 ટુ વ્હીલર અને એક કારને ટક્કર મારી વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે એક કાર ચાલક ગૌરવ મુકેશ ભાઈ પટેલ નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો. તે નશામાં ધૂત હતો અને બેફામ કાર ચલાવીને જઈ રહ્યો હતો. તેને બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કારની પાછળ ટક્કર મારી હતી. જેને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાર ચાલકને માર માર્યો હતો અને પોલીસને સોપ્યો હતો. પોલીસે આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
કાર ચાલક મિતેષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું ઓફિસરની વડસર બ્રિજ પાસેથી ઘરે જઈ રહ્યો હતો. એક કાર ચાલક નશાની હાલતમાં સ્પીડમાં આવ્યો હતો અને મારી કારની પાછળ ટક્કર મારી હતી. મારી બાજુમાં જઈ રહેલી ઇકો કારના ચાલકે તેને બ્લોક કર્યો હતો. જેથી તે ભાગી શક્યો નહોતો. આગળ તે બે વાહનોને ટક્કર મારીને આવ્યો હતો. તે દારૂ પીધેલી હાલતમાં હતો. 2થી 3 લોકોને ઇજા થઈ હતી.