આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પનામા ઉપરાંત સમગ્ર યુરોપ અને બ્લેકમની માટે સ્વર્ગ ગણાતા અન્ય ટાપુઓ પાસેથી ખાતેદારોની મળેલી વિગતોના આધારે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને વડોદરાના કેટલાક માલેતુજારોને નોટિસો પાઠવીને જવાબ માંગ્યા છે. વિદેશમાં રહેલા બ્લેકમની ભારત લાવવા માટે શરૂ થયેલી આ પ્રોસિજરમાં કેટલાક એનઆરઆઇ પણ સપાટામાં આવ્યા છે.
આઇટી અધિકારી કહે છે કે સ્વીસ બેન્ક પાસેથી પણ વિગતો મળી છે અને હાલ તમામને નોટિસો આપીને જવાબ માગવામાં આવ્યા છે. સંભવત: થોડા સમયમાં વિદેશમાં બ્લેકમની મોકલનારાઓને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવે એવી સંભાવના છે. હાલ અધિકારીઓ દરેક એકાઉન્ટની વિગતો મેળવીને કેટલાં રૂપિયા વિવિધ દેશોમાં જમા થયા છે તેની વિગતો એકત્રિત કરી રહ્યા છે. આઇટીની ફોરેન ઇન્વેસ્ટમેન્ટ યુનિટ સમગ્ર કાર્યવાહી કરી રહ્યુ છે.
વિદેશી ખાતાઓની તપાસ સાથે સંકળાયેલા આઇટી અધિકારીએ કહ્યું કે હાલ વિદેશથી સુરતના ખાતાધારકોની જે વિગતો આવી છે તેના આધારે નોટિસ પાઠવીને જવાબ માંગ્યા છે. અધિકારીઓ વિદેશ મંત્રાલય મારફત જે તે દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનમાં છે. બેન્ક પાસે વિગતવાર માહિતી પણ મંગાઈ રહી છે. પનામા પેપર્સ લીક હોય, સ્વીસ બેન્ક હોય કે યુરોપના અન્ય દેશો અને કરચોરો માટે સ્વર્ગ ગણાતા પંડોરા સહિતના ટાપુઓ પાસેથી પણ વિગતો મેળવવામાં આવી રહી છે.