અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે રોકી દીધા છે. તેમણે પોતાના નિર્ણયને પાછો ખેંચવા પાછળનું કારણ દેશો સાથે વેપાર પર નવી વાટાઘાટોનો ઉલ્લેખ કર્યો.
જોકે, તેમણે આ મુક્તિમાં ચીનનો સમાવેશ કર્યો નથી, પરંતુ ચીન પરનો ટેરિફ 104%થી વધારીને 125% કર્યો છે. ચીને 84% ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે આ કાર્યવાહી કરી હતી.
યુરોપિયન યુનિયન (EU)એ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને ઘણા યુએસ ઉત્પાદનો પર 25% સુધીના ટેરિફને મંજૂરી આપી. આ દ્વારા EU અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, EUની યાદીમાં સોયાબીન, માંસ, ઈંડા, બદામ, લોખંડ, સ્ટીલ, કાપડ, તમાકુ અને આઈસ્ક્રીમ સહિત ઘણા અમેરિકન ઉત્પાદનોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં, ચીને પણ અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે.