2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને ગુરુવારે મોડી રાત્રે 2 વાગ્યે ચુકાદો સંભળાવ્યો.
64 વર્ષના તહવ્વુર રાણાને 10 એપ્રિલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો.
ભારત પહોંચ્યા પછી રાણાની પહેલી તસવીર પણ સામે આવી, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઉભા જોવા મળ્યા. રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે.
જોકે, રાણાને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ (9 એપ્રિલે) બુધવારે રાણાને લઈને અમેરિકાથી રવાના થઈ હતી.