થોડા દિવસો પહેલાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિતનું માળખું જાહેર કરાયું છે અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ લિસ્ટ જાહેર કર્યું ત્યારથી જ અંદરખાને ઉકળતો ચરુ ધીમે ધીમે બહાર પ્રસરી રહ્યો છે. કેટલાક હોદ્દેદારોએ તો લિસ્ટ જાહેર થયું તેની ગણતરીની કલાકોમાં જ મૌખિક અને લેખિત રાજીનામા આપી દીધા છે. ગુરુવારે તો સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ પ્રભારી અને કોર્પોરેટર વચ્ચે સંગઠનને લઈને જાહેરમાં બોલાચાલી પણ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં શહેર ભાજપની મુખ્ય બોડીની રચના થવાની છે તેમાં ક્યા સમાજને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે તે લિસ્ટ જોયા બાદ કેટલાક જૂના કાર્યકરો નવા જૂની કરે તો ના નહિ.
રાજકોટના 18 વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરી દેવામાં આવી છે. કુલ 288 કાર્યકરને હોદ્દા આપવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે 18 વોર્ડના તમામ હોદ્દાઓમાંથી ક્યા સમાજને કેટલું મહત્ત્વ અપાયું છે તે અંગે એનાલિસિસ કરતાં વોર્ડના માળખામાં સૌથી વધુ પ્રાધાન્ય પાટીદાર સમાજને આપવામાં આવ્યું છે. તેઓને 288માંથી કુલ 62 પદની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે દલિત અને બ્રાહ્મણ સમાજને 26-26 હોદ્દા આપવામાં આવ્યા છે. ત્યારબાદ આહીર સમાજને 24 જ્યારે ક્ષત્રિય સમાજને 20 હોદ્દા આપવામાં આવ્યા છે.
અહીંયા કોળી અને લોહાણા સમાજને સૌથી ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કોળી સમાજને 16 જ્યારે લોહાણા, પ્રજાપતિ અને ભરવાડ સમાજને 14 હોદ્દા જ આપવામાં આવ્યા છે. વણિક સમાજને 10 પદ અપાયા છે. સંગઠનમાં વિશેષ જવાબદારી મહામંત્રીની હોય છે. બાકીના હોદ્દા માત્ર નામ પૂરતા જ હોય છે. પાટીદાર અને આહીર સમાજને બાદ કરતા અન્ય જ્ઞાતિઓને ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની વિશેષ જવાબદારી સોંપાઈ છે.