શહેરના જામનગર રોડ, બજરંગવાડી-10માં રહેતા વિશાલભાઇ ભાવેશભાઇ પંચમતિયા નામના યુવાન પર સંજય માધા બાવળિયા, તેના ભાઇ મુન્નો અને મુન્નાનો દીકરો જયપાલે પાઇપ, છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.
ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછ કરતા તે લોઠડા ગામે મોબાઇલની દુકાન ધરાવે છે. દુકાન માધાભાઇ બાવળિયા પાસેથી પૈસા ચૂકવી ખરીદી કરી હતી. દરમિયાન માધાભાઇના બંને પુત્ર સંજય, મુન્નો અને મુન્નાનો પુત્ર જયપાલ સોમવારે સાંજે દુકાને આવ્યા હતા અને તે આ દુકાનમાં કબજો જમાવી દીધો છે તેવા આક્ષેપ કરી માથાકૂટ કરી હતી. જેથી તમે તમારા પિતા સાથે આ મુદ્દે વાત કરો, મારી પાસે ન આવો તેમ કહેતા ત્રણેય ઉશ્કેરાય જઇ પાઇપ, છરીથી હુમલો કર્યો હતો. આ સમયે મિત્ર દોડી આવતા ત્રણેય શખ્સ ત્યાંથી ભાગી ગયા હતા. પિતાની કબજાવાળી જમીનનો કબજો પોતાની પાસે હોય તેનો ખાર રાખી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અન્ય એક બનાવમાં લક્ષ્મીબેન જગદીશભાઇ લખમણભાઇ રાઠોડ નામની મહિલા સફાઇ કામદારે ઢેબર કોલોની ઝૂંપડપટ્ટીમાં રહેતી રેખા સુરેશ સોલંકી નામની મહિલાએ તારે અહીંથી ચાલવું નહિ કહી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી. જે બનાવની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી મહિલાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.