સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શોધ ફેલોશીપ આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે માત્ર 58 વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ગુજરાતી ભવનના 10 અને સૌથી ઓછા અંગ્રેજી, પત્રકારત્વ, એજ્યુકેશન અને પરફોર્મિંગ આર્ટ્સના 1-1 વિદ્યાર્થીને શોધ ફેલોશીપનો લાભ મળશે. આ તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
ગત વર્ષે 147 વિદ્યાર્થીની પસંદગી થઈ હતી
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે Ph.Dના વિદ્યાર્થીઓને શોધ ફ્લોશીપ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.Dના 98 વિદ્યાર્થીઓએ શોધની ફેલોશીપ માટે અરજી કરી હતી. જે પૈકી 58 અરજીને માન્ય રાખી 58 વિદ્યાર્થીને શોધ ફેલોશીપ આપવા નિર્ણય કરાયો છે. એટલે કે 58 વિદ્યાર્થીને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જે ગત વર્ષની સરખામણીએ અડધાથી પણ ઓછી છે. પાછલા વર્ષે યુનિવર્સિટીમાં Ph.D કરતા 197 વિદ્યાર્થીઓએ સ્કીમ ઓફ ડેવલોપીંગ હાઈ ક્વોલિટી રિસર્ચ (SHODH) માટે અરજી કરી હતી. જેમાંથી 147 વિદ્યાર્થીના સંશોધનના વિષયોની જ ફેલોશીપ આપવા માટે પસંદગી થઇ હતી.