રાજકોટનાં કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તેમજ અન્ય નાના-મોટા કાર્યક્રમનું આયોજન થઈ શકે તે માટે રેસકોર્સમાં મનપા દ્વારા આર્ટ ગેલેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ આર્ટ ગેલેરી ખખડધજ થઈ હોવાથી વરસાદમાં રીતસરનું પાણી ટપકતું હતું. જેને લઈને ગત તા.19-10-2023થી તેનું રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 1 વર્ષમાં પૂર્ણ થનારા આ કામને 18 મહિના પૂર્ણ થયા છતાં તે પૂરું થયું નથી. જોકે, એપ્રિલનાં અંત સુધીમાં કામ પૂરું થવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ, કામમાં વિલંબ બદલ એજન્સીને કોઈ પેનલ્ટી ફટકારવામાં આવી નથી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરીનું નવીનીકરણ ઓક્ટોબર-2023માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ખાતમુહર્ત કરાયું ત્યારે એક વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાશે એવી જાહેરાત કરાઈ હતી પરંતુ, એક વર્ષની ઉપર છ મહિના પૂર્ણ થઈ ગયા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. કામનું ખાતમુહૂર્ત કરવા માટે-મોટા ઉપાડે પદાધિકારીઓ દ્વારા કોદાળી મારીને કામનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો પરંતુ, કોઈપણ વિકાસકાર્ય હોય તેનું ખાતમુહૂર્ત કર્યા બાદ તે સમયસર પૂર્ણ થાય છે કે નહીં? તે જોવાની ટેવ નહીં ધરાવતાં નેતાઓ આર્ટ ગેલેરીના રિનોવેશનમાં પણ આવું જ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.