રાજકોટમાં ધો. 12 પાસ યુવાનનું જનતા પ્રાથમિક ચિકિત્સા સેવા કેન્દ્ર સામે આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં મુનાભાઈ એમબીબીએસનો શહેરમાં રાફડો ફાટ્યો છે. ત્યારે આજીડેમ પોલીસે પાડેલા દરોડામાં શીતળાધાર વિસ્તારમાં યુપીથી 2 મહિના પહેલાં આવેલા શખ્સે 15 દિવસથી જનતા પ્રાથમિક ચિકિત્સા સેવા નામનું દવાખાનું ખોલ્યું હોવાનુ સામે આવ્યું હતું. મોહમદ રમીઝખાન મુનીરખાન નામના શખ્સ પાસે મેડિકલની કોઈ ડિગ્રી ન હોવાથી પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા શખ્સના ક્લિનિકમાંથી પોલીસે દવા અને મેડિકલ સાધનો મળી કુલ 16,481નો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો શખ્સ ઝડપાયો
બનાવ અંગેની વધુ વિગત મુજબ, આજીડેમ પોલીસ મથકના પી.આઈ. એ.બી.જાડેજાની નિગરાનીમાં એએસઆઈ યશવંત ભગત હેડ કોન્સ્ટેબલ કુણાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજાને શીતળાધાર 25 વારીયામાં જનતા પ્રાથમિક ચિકિત્સા સેવા નામના બોર્ડવાળુ ક્લિનિકમાં ડિગ્રી વગરનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતાં સ્ટાફે દરોડો પાડયો હતો. દુકાનમાં ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડી બેઠેલ શખ્સને તેનું નામ પૂછતાં મોહમદ રમીઝખાન મુનીરખાન (ઉ.વ.24), (રહે. રોલેક્ષ રોડ ગંગાસાગર બોરવેલ વાળી શેરી, મુળ રહે ખરગોપુર ઉતરપ્રદેશ) હોવાનુ જણાવ્યુ હતું.