ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ આપેલા 250 રનના ટાર્ગેટની સામે ભારતે 40 ઓવરમાં 8 વિકેટે 240 રન કર્યા હતા. સંજુ સેમસને 63 બોલમાં 86 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તો શ્રેયસ અય્યરે પણ 37 બોલમાં 50 રન કર્યા હતા. શાર્દુલ ઠાકુરે પણ 33 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી લુન્ગી એન્ગિડીએ 3 વિકેટ ઝડપી હતી. તો કાગિસો રબાડાએ 2 વિકેટ લીધી હતી.
અગાઉ સાઉથ આફ્રિકાએ 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. તેમની ટીમ તરફથી ડેવિડ મિલરે 63 બોલમાં 75 રન ફટકાર્યા હતા. અને હેનરિક ક્લાસેને 65 બોલમાં 74 રન ફટકાર્યા હતા. ક્લાસેન અને મિલરની જોડીએ સાઉથ આફ્રિકાની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 106 બોલમાં 139 રનની પાર્ટનરશિપ થઈ હતી. ક્વિન્ટન ડિકોકે 48 રન કર્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ, જ્યારે કુલદીપ અને બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.