ગોંડલના જેતપુર રોડ પરના ગીતાનગરમાં રહેતા રમેશભાઇ અમરેલિયાને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રૂ. 7 થી 8 લાખ પડાવવાના તરકટની મુખ્ય આરોપી તેજલ પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ ગઇ છે.
ગોંડલના જેતપુર રોડ ગીતાનગરમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોતાને હનીટ્રેપમાં ફસાવી રૂ.7 થી 8 લાખ પડાવવા ધાક ધમકી આપનાર રાજકોટની તેજલ છૈયા, પદ્મિનીબા વાળા સહિત પાંચ વ્યક્તિ સામે B ડિવિઝનમાં ફરિયાદ કરતા ઈન્ચાર્જ પીઆઇ. ડામોરે તપાસ હાથ ધરી હતી.જેના અનુસંધાને પદ્મિનીબા વાળા તેના પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ અગાઉ જ કરી લેવામા આવી હતી અને વિશેષ પુછપરછ હાથ ધરી હતી, સાથે GJ06PE 8655 નંબરની કાર પણ 19 તારીખે રાત્રે કબ્જે લઇ લેવામાં આવી હતી જ્યારે આ પ્રકરણની મુખ્ય આરોપી તેજલ છૈયા અંતે ગોંડલ B ડિવિઝન પોલિસ સ્ટેશન ખાતે પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ હતી.
આથી પોલીસે તેની વિધિવત ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પદ્મિનીબા વાળા સહિત ચારેય આરોપીના જામીન મંજૂર થઇ જતાં તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.