ભાજપે આ વખતે બહુમતિ ગુમાવી છે અને આ વખતે સરકાર બનાવવા માટે ગઠબંધન કરવાની જરૂરિયાત રહેશે ત્યારે તેને કારણે જમીન, શ્રમને લગતા નાણાકીય સુધારાઓમાં વધુ વિલંબની શક્યતા છે અને તેને કારણે રાજકોષીય ખાધને ઘટાડવાના પ્રયાસો પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ફિચ રેટિંગ્સ અને મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું હતું કે વર્ષ 2014 બાદ પ્રથમવાર પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે બહુમતી ગુમાવી છે અને માત્ર 240 સીટ જીતી છે. હવે ભાજપ નાના પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની યોજના ધરાવે છે. જેમણે 53 સીટ જીતી છે. જેનાથી 293 સીટની બહુમતિ મળી શકે.
ફિચ અનુસાર ભાજપના નેતૃત્વ હેઠળની NDA નવી સરકાર બનાવશે તેમજ પીએમ મોદી ત્રીજા કાર્યકાળ માટે પીએમ બનશે ત્યારે બહુમતિમાં ઘટાડાને કારણે સરકારના રિફોર્મ એજન્ડાને લઇને કેટલાક પડકારો જોવા મળી શકે છે.
ભાજપે બહુમતિ ગુમાવી હોવાથી તેમને સરકાર બનાવવા માટે અન્ય પક્ષ પર નિર્ભર રહેવું પડશે ત્યારે જમીન અને શ્રમને લગતા સતત સુધારાઓને કરવા વધુ પડકારજનક બની શકે છે. જે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટે પ્રાથમિકતા માનવામાં આવે છે.