રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન તો થયા છે, પરંતુ આ વરસાદ હજુ સુધી જળાશયોને છલકાવી શક્યો નથી. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં આવેલા કુલ 27માંથી માત્ર 3 જળાશયોમાં 100 ટકા પાણી ભરાયુ છે. એટલે કે, આ ડેમોમાં પાણી ભરાઈ ગયું છે. જોકે, બાકીના 24 ડેમો એવા છે કે જે હજૂ સંપૂર્ણ ભરાયા નથી. જેમાં પણ 10 જળાશયો એવા છે કે, જેમાં હજુ પણ 0થી લઈને 9% સુધી પાણી ભરાયુ છે. જ્યારે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી- 1 ડેમ 46.66 ટકા જ ભરાયો છે. એટલે કે, અડધાથી પણ વધુ ખાલી છે. જેના કારણે આગામી ઊનાળામાં પીવાના પાણીની ચિંતા પ્રવર્તી રહી છે.
રાજકોટ શહેરમાં સિઝનનો 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે અહીં લોકો ધોધમાર વરસાદની આશા સેવી રહ્યા છે. જેને કારણે શહેરના 20 લાખ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આજી- 1 ડેમમાં અડધાથી પણ ઓછું પાણી ભરાયુ છે. હવે આગામી વર્ષે ઊનાળામાં લોકોને પાણીના ધાંધિયાનો સામનો કરવો પડે તેવી ચિંતા પ્રવર્તી રહી છે. ધોધમાર વરસાદ વરસે અને આજીડેમ ઓવરફલો થાય તેનો નજારો જોવા મળે તેવી મીટ માંડીને શહેરીજનો બેઠા છે.