રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળીયે જોવા મળી રહ્યો છે. એક સમયે 3200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગતેલનો ડબ્બો આજે 2300થી 2370 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે.
સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે. જોકે, દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં 250થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવા કાઢતા બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકો માટે રાહતના સમાચાર બન્યા છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગે લોકો સિંગતેલ આરોગવાનું વધારે પસંદ કરે છે. સિંગતેલની ડિમાન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રહેતી હોય છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં 50 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેનાથી સિંગતેલના ભાવમાં સિધી અસર જોવા મળી રહી છે. 15 કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ આજે 2300 રૂપિયા પહોંચી ગયો છે.