જસદણના એસટી ડેપોમાં ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ડેપોમાં રહેલા પાણીના ટાંકા છલકાતાં અને છતમાંથી પાણી ટપકતાં ડેપોમાં પાણીની રેલમછેલ થઈ હતી. આ ગંભીર સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે મુસાફરોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ ફેલાયો હતો. અવારનવાર ટાંકા છલકાવાની અને છતમાંથી પાણી ટપકવાની સમસ્યા ડેપોની દયનીય હાલત દર્શાવે છે. તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.
આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે, ટપકતી છત કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. લોકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક પગલાં લઈ છતનું રિપેરિંગ કરે અને પાણીના બગાડને અટકાવે. જસદણ એસટી ડેપોની આ બેદરકારી મુસાફરોની સલામતી અને સુવિધા માટે ગંભીર જોખમ ઉભું કરી રહી છે. જો તંત્ર હવે પણ જાગે નહીં, તો લોકોનો આક્રોશ વધુ વકરી શકે છે.
ચોમાસા પહેલાં છતની મરામત આવશ્યક જસદણ એસટી ડેપોની છતમાંથી ટપકતાં પાણીની સમસ્યા અંગે લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચોમાસા પહેલાં જ આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ તંત્રએ રિપેરિંગનું કામ હાથ ધરવું જોઈએ. છતની મરામ્મત અને ટાંકાનું યોગ્ય સંચાલન થાય તો પાણીનો બગાડ અટકશે. જેનાથી પાણીની અછતનો સામનો કરતા લોકોને રાહત મળશે. ડેપોમાં સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરી મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવામાં આવે.