પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારત પર પરમાણુ બોમ્બ હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, અમે શાહીન, ઘોરી અને ગઝનવી જેવી 130 મિસાઇલો ભારત માટે જ રાખી છે.
જો ભારત સિંધુ જળ સંધિ રોકશે, તો અમે તેના શ્વાસ રોકી દઈશું. ભારતે યુદ્ધ માટે તૈયાર રહે. પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો ખાલી બતાવવા માટે રાખ્યા નથી.
અબ્બાસીએ કહ્યું કે અમે આ મિસાઇલોને મોડેલ તરીકે રાખી નથી, તેનું નિશાન ભારત તરફ છે. ભારત પણ જાણે છે કે અમારી પાસે પણ શસ્ત્રો છે, તેથી જ તેઓ અમારા પર હુમલો કરી રહ્યા નથી.
અબ્બાસીએ કહ્યું કે ભારત પોતાની સુરક્ષામાં રહેલી ખામીઓને સ્વીકારવાને બદલે પહેલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે. ઇસ્લામાબાદ તેની સામે લેવામાં આવતી કોઈપણ આર્થિક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે.
હનીફ અબ્બાસીએ પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરવા અને વેપાર સંબંધો સમાપ્ત કરવાના ભારતના પગલાની મજાક ઉડાવી હતી.
તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત માટે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે. આના કારણે, ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ માત્ર બે દિવસમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. ભારતને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. જો અમે 10 દિવસ માટે એરસ્પેસ બંધ રાખીશું, તો ભારતીય એરલાઇન્સ નાદાર થઈ જશે.