ગત વર્ષના છેલ્લા મહિનામાં કારોનું વેચાણ વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશની પ્રમુખ કાર કંપનીઓ મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ તાતા મોટર્સની કારના જથ્થાબંધ વેચાણમાં 1.4% થી 30% સુધીનો વધારો નોંધાયો છે. જો કે દેશનો સૌથી મોટો આઇપીઓ લાવનારી હ્યુંડાઇ મોટર ઇન્ડિયાનું વેચાણ ડિસેમ્બરમાં 2.4% ઘટ્યું છે. ઑટો એક્સપર્ટ અનુસાર છેલ્લા મહિનામાં કારનું વેચાણ વધવાનું મુખ્ય કારણ લગ્નની સીઝન અને યર એન્ડ ડિસ્કાઉન્ટ અંતર્ગત કારની ખરીદી પર ભારે છૂટ હતી. તે ઉપરાંત ગત મહિને ગ્રામીણ વિસ્તારમાં પણ મજબૂત માંગ જોવા મળી હતી.
મારુતિ સુઝુકી: મારુતિ સુઝુકીએ ગત મહિને ડિસેમ્બરમાં સર્વાધિક 1.78 લાખ કારનું વેચાણ કર્યું હતું. તેમાંથી 37,419 કારની નિકાસ કરાઇ હતી. જે કોઇ એક મહિનામાં સર્વાધિક નિકાસનો રેકોર્ડ છે. ડિસેમ્બર 2023ની તુલનામાં તે 39.2% વધુ હતી.