રાજકોટની નજીક આવેલા અને વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલી પ્લાસ્ટિક વુવન મટિરિયલ બનાવતી ફેક્ટરીમાં માત્ર 15 વર્ષના શ્રમિકનું મશીનમાં આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે તાત્કાલિક ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવા આદેશ પણ થઈ ગયો છે. પણ, આદેશની અમલવારી કોણ કરાવશે? કારણ કે હજુ પણ આ ફેક્ટરી ધમધમી રહી છે અને અધિકારીઓને ખબર હોવા છતાં કોઇ પગલાં લઈ રહ્યાં નથી.
વાંકાનેરના રંગપર ગામે રેઈનબો ફેબપેક નામની ફેક્ટરી આવેલી છે જ્યાં પ્લાસ્ટિક વુવન મટિરિયલ બને છે. આ ફેક્ટરીમાં 6 એપ્રિલે સાંજે 6:45 કલાકે કાપડ બનાવતા રોલર પરથી કાપડ એકઠું કરવા માટે 15 વર્ષનો કિરણ પર્વતભાઈ કટારા નામનો સગીર શ્રમિક ચડ્યો હતો પણ રોલરમાં તેનો ડાબો હાથ આવી જતાં આખો ડાબો ભાગ મશીનમાં ખેંચાઈ ગયો હતો અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાના બન્યા બાદ મોરબીની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના ફેક્ટરી ઈન્સ્પેક્ટર પાર્થ કલસરિયાએ 16 એપ્રિલે કારખાના અધિનિયમ 1948ની કલમ 40(2) હેઠળ ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જ્યાં સુધી સલામતીની જે ક્ષતિઓ છે તે દૂર ન થાય તેમજ સલામતીના પગલાં તેમજ અન્ય પુરાવા રજૂ કર્યા બાદ હુકમ ન કરે ત્યાં સુધી ઉત્પાદન ચાલુ કરવાનું નથી . આમ છતાં છેલ્લા 20 દિવસથી આ ફેક્ટરીમાં ઉત્પાદન ધમધમી રહ્યું છે. અધિકારીઓ સુપેરે જાણે છે કે, ફેક્ટરી ચાલી રહી છે આમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઈ નથી જે તંત્રમાં જ કોઇ સડો હોવાનો ઈશારો કરે છે.
પ્લાસ્ટિક વુવન મટિરિયલ બનાવવા માટે રોલ ચડાવવાનો હોય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ રોલર ઓછામાં ઓછું 180 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હોય છે. સગીર શ્રમિક કિરણ કોઇપણ પ્રકારની સેફ્ટી વગર મશીન પર ચડીને કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ડાબો હાથ અને ડાબો ભાગ મશીનમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ માત્ર 6 કલાક એટલે કે રાત્રીના 12:30 વાગ્યે મોત નીપજ્યું હતું. જે સાબિત કરે છે કે ફેક્ટરીમાં ગંભીર બેદરકારી હતી.