યુક્રેન અને અમેરિકાએ આખરે બુધવારે ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ હેઠળ, અમેરિકાને યુક્રેનના નવા ખનિજ પ્રોજેક્ટ્સમાં વિશેષ એક્સેસ મળશે. બદલામાં, અમેરિકા યુક્રેનના પુનર્નિર્માણમાં રોકાણ કરશે. આ ડીલ હેઠળ, યુક્રેનના રિડેવલપમેન્ટ અને રિકનેટ્રક્શન માટે એક સંયુક્ત રોકાણ ફંડ બનાવવામાં આવશે.
આ ઉપરાંત, ટ્રમ્પ સરકારે આ સોદા વિશે તાત્કાલિક ઘણી વિગતો જાહેર કરી નથી, અને તે પણ સ્પષ્ટ નથી કે તેની અમેરિકાની લશ્કરી સહાય પર શું અસર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઈનલ ડીલમાં અમેરિકા દ્વારા કોઈપણ પ્રકારની સુરક્ષા સહાયની કોઈ નિશ્ચિત ગેરંટી આપવામાં આવી નથી.
બંને દેશો સંયુક્ત રોકાણ ભંડોળમાં 50-50 ટકાનું રોકાણ કરશે
યુક્રેનના અર્થતંત્ર મંત્રાલયે કહ્યું છે કે યુએસ આ ભંડોળમાં સીધી રીતે અથવા લશ્કરી સહાય દ્વારા યોગદાન આપશે, જ્યારે યુક્રેન તેના કુદરતી સંસાધનોના ઉપયોગથી થતી આવકનો 50% આ ભંડોળમાં ફાળો આપશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ફંડના બધા પૈસા પહેલા 10 વર્ષ માટે ફક્ત યુક્રેનમાં જ રોકાણ કરવામાં આવશે. આ પછી, 'નફો બે ભાગીદારો વચ્ચે વહેંચી શકાય છે.'
મંત્રાલયે એમ પણ કહ્યું કે ફંડના નિર્ણયોમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેનનો સમાન મત હશે. આ ડીલ ફક્ત ભવિષ્યમાં આપવામાં આવતી યુએસ લશ્કરી સહાયને આવરી લે છે, ભૂતકાળમાં આપવામાં આવેલી સહાયને નહીં.