રાજકોટ માર્કેટિંગ યાર્ડની ગત નાણાકીય વર્ષની આવકો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત યાર્ડની આવક રૂ. 41.31 કરોડ થઈ હોવાનું સામે આવ્યું છે. 6 વર્ષ પહેલાં યાર્ડની આવક 21 કરોડ જેવી હતી. આમ માત્ર 6 વર્ષમાં આવકમાં બમણો વધારો નોંધાયો છે. એટલું જ નહીં ગતવર્ષની તુલનાએ પણ આવકમાં 13%નો વધારો થયો છે. કરકસર યુક્ત વહીવટ દ્વારા રૂ. 9.87 કરોડની બચત કરવામાં આવી છે.
નાણાંકીય વર્ષ 2024-25 નું સરવૈયુ જાહેર કરતા માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે યાર્ડની આવક રૂ. 41.31 કરોડ પહોંચી છે. જે ગતવર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો સૂચવે છે. કરકસરયુકત વહિવટ થકી રૂ.9.87 કરોડની બચત કરવામાં આવી છે. પોતે 2-12-2021થી ચેરમેનપદ સંભાળ્યુ ત્યારથી લઈ અત્યાર સુધીનાં કાર્યકાળમાં રૂ. 43 કરોડના વિકાસ કામો કર્યા છે અને ચાલુ વર્ષમાં રૂ. 16.8 કરોડના પ્રોજેકટ છે. એટલે કુલ 51 કરોડના કામો થશે.
આ યાર્ડ સંભાળતી વખતે રૂ. 23 કરોડની આવક થતી હતી તે હાલ 41 હાલ કરોડથી વધુ થઈ છે. આ માટે કારણો દર્શાવતા તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષની શરૂઆતમાંથી સંભવિત આવક-ખર્ચ તથા વિકાસ કામોનાં લક્ષ્યાંક થકી કરી લેવાય છે. અને સતત મોનીટરીંગ દ્વારા તે પરિપૂર્ણ કરવામાં આવે છે. બેડી માર્કેટ યાર્ડ ખાતે વિકાસ કામો ઉપરાંત પોપટભાઈ સોરઠીયા માર્કેટ યાર્ડ (જુના માર્કેટ યાર્ડ)નુ રીનોવેશન પણ કરવામાં આવ્યું છે. જુના યાર્ડનાં તમામ મેઈનરોડમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતુ હોવાથી ત્યાં આરસીસી અને ડામરકામ કરાવાયું છે.