ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાં નેપાળ સામે ગ્રુપ Aની મેચ નહીં રમે. 'બુમરાહ પારિવારિક કારણોસર શ્રીલંકાથી મુંબઈ જવા રવાના થયો છે. જોકે, તે સંપૂર્ણ રીતે ફિટ છે અને સુપર-4 સ્ટેજની મેચ માટે શ્રીલંકા પરત ફરશે.
જો ટીમ ઈન્ડિયા સોમવારે નેપાળને હરાવવામાં સફળ રહેશે તો ટીમ સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ જશે. સુપર-4માં ટીમનો પ્રથમ મુકાબલો 10 સપ્ટેમ્બરે કેન્ડીના મેદાન પર પાકિસ્તાન સામે થશે.
સુપર-4 સ્ટેજ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે
નેપાળ સામે બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીને તક આપી શકે છે. સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થવા માટે ભારતે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે ગ્રુપ-Aની મેચ જીતવી પડશે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો નેપાળ અને ભારત બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. તો પણ ભારત સુપર-4માં પહોંચી જશે. સુપર-4 સ્ટેજ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પાકિસ્તાન 3 પોઈન્ટ સાથે ગ્રુપ Aમાંથી ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારત પાસે એક પોઈન્ટ છે અને નેપાળ પાસે કોઈ પોઈન્ટ નથી.
જસપ્રીત બુમરાહે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે વન-ડે રમી હતી. તે 13 મહિના પછી વન ડે ઈન્ટરનેશનલ રમ્યો હતો, પરંતુ વરસાદને કારણે મેચમાં બોલિંગ કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાએ શનિવારે કેન્ડીમાં પ્રથમ બેટિંગ કરતા 266 રન બનાવ્યા હતા. બુમરાહે 14 બોલમાં 3 ફોરની મદદથી 16 રન બનાવ્યા હતા.
વરસાદના કારણે બીજી ઇનિંગ શરૂ થઈ શકી ન હતી. તેથી બુમરાહ સહિત ટીમના કોઈ બોલરને બોલિંગ કરવાની તક મળી નથી. બુમરાહે એશિયા કપ પહેલા 14 જુલાઈ 2022ના રોજ ઈંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે રમી હતી.