શહેરમાં બુધવારે ઘોડીપાસાની ક્લબ સહિત બે સ્થળે પોલીસે દરોડા પાડી 30 જુગારીઓને પકડી પાડ્યા હતા. ત્યાં વધુ ત્રણ દરોડા પોલીસે કુબલિયાપરા અને આજી નદીના કાંઠે પાડી 28 જુગારીને પકડ્યા છે. એ ડિવિઝન પોલીસે જુગાર ક્લબ પકડી પાડ્યા બાદ શહેરભરની પોલીસ સફાળી જાગી હોય તેમ વિવિધ સ્થળોએ જુગાર રમતા શખ્સો પર ધોંસ બોલાવી છે. નવા થોરાળા મેઇન રોડ પર રહેતો પાનનો ધંધાર્થી વિક્રમ લાભુ નામનો શખ્સ કુબલિયાપરા સાધુસમાધિ સ્મશાન નજીક બાવળની ઝાડીમાં જુગારના શોખીનોને ભેગા કરી જાહેરમાં જુગાર રમાડતો હોવાની ક્રાઇમ બ્રાન્ચના કોન્સ.પી.જી.જાડેજાને માહિતી મળી હતી. માહિતીના આધારે પીએસઆઇ એમ.જે.હુણ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડો પડતાં જ મોટી જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા વિક્રમ સહિત 20 શખ્સને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.70,300ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે. બીજો દરોડો આજી નદીના કાંઠેથી સંજય ઉર્ફે ખોડો કાના સોલંકી સહિત 4 શખ્સને રૂ.15,140ની રોકડ સાથે પકડી પાડી પોલીસે કાર્યવાહી કરી છે. તદઉપરાંત પોપટપરા મેઇન રોડ પર જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જુગાર રમાડતા ફેસલ ઉર્ફે ફેઝલ ઇકબાલ ચૌહાણ, બલભદ્રસિંહ ઉર્ફે લાલો રણજિતસિંહ રાણાને રમવા આવેલા ગોરધન હરી ચૌહાણ, જેરામ ગોવિંદ ચાવડાને રોકડા રૂ.33,100 સહિત રૂ.58,600ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછમાં તેઓ પોપટપરાના નિલેશ પાસે કપાત કરાવતા હોવાની કબૂલાત આપતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.