શહેરમાં ઘરેલુ હિંસા અંતર્ગત વધુ એક પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રૈયા રોડ, અક્ષર રેસિડેન્સી-2માં રહેતી રીનાબેન નામની પરિણીતાએ તેના પતિ મિલન જેન્તીભાઇ કોઠારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પતિના આડાસંબંધનો વિરોધ કર્યો તો ત્રાસ આપવાનું શરુ કર્યું છે.
રાજકોટના રૈયા રોડ પર રહેવા આવ્યા બાદ પણ પતિના સ્વભાવમાં કે દારૂની ટેવ બંધ થઇ ન હતી. ત્યારે પાવર પ્રોટેક્ટનો વેપાર કરતા પતિ પોતાને અવારનવાર દહેજ મુદ્દે મેણાં મારી તું કાંઇ લાવી નથી તેમ કહી ગાળો ભાંડતા હતા. ગાળો દેવાની ના પાડતા પોતાના પર હાથ ઉપાડી લેતા હતા. દરમિયાન પાંચ વર્ષ પહેલા પતિ મિલનને કોઇ વર્ષા નામની મહિલા સાથે સંબંધ હોવાની ખબર પડી હતી. જે અંગે સમજાવવા માટે પતિને વાત કરતા તેને ગુસ્સે થઇ ઝઘડો કર્યો હતો અને ઘરખર્ચ પણ બંધ કરી દેતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.